રાજ્યના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો છે જેથી પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે અને તકેદારીના ભાગરૂપે પશુઓના વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢ જીલ્લામાં દોઢ લાખથી વધુ ગૌવંશ છે. આ ગૌવંશમાં છ માસથી બે વર્ષ સુધીના પશુઓનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસે દેખા દીધા છે. અમુક જિલ્લાઓમાં તો પશુઓના મોત નીપજતા પશુપાલન વિભાગ દોડતું થયું છે. જૂનાગઢ જિલ્લામાં પશુપાલન વિભાગે નવ તાલુકાઓમાં 18 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે. પશુ ચિકિત્સક અધિકારી, પશુ નિરીક્ષક સહિતના સ્ટાફ દ્વારા તાલુકા વાઇઝ પશુઓની ચકાસણી શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લા પશુપાલન અધિકારી પાનેરાના જણાવ્યા મુજબ સોરઠમાં ગૌવંશમાં વાયરસના લક્ષણો દેખાયા નથી તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે પશુપાલન વિભાગ ઉપરાંત 1962 એનિમલ એમ્બ્યુલન્સની ટીમ પણ વિવિધ વિસ્તારોમાં સર્વે કરી રહી છે. જિલ્લાના તમામ વિસ્તારમાં ગૌવંશમાં અગાઉ વેક્સિનેશન થઈ ગયું છે જેથી વાયરસનું જોખમ જણાતું નથી.
જૂનાગઢ જિલ્લામાં છ મહિનાથી બે વર્ષ સુધીના ગૌવંશ જો કોઈ પશુને રોગપ્રતિકારક શક્તિ ઓછી જણાશે તો તેને વેક્સિન આપવા તજવીજ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 592પશુઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કામાં અંદાજિત 30,000 ગાયોને રસી આપવામાં આવશે. સર્વે ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈ પશુપાલકો પાસેથી માહિતી મેળવી રસીકરણની કામગીરી હાથ ધરશે


