ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગામ ખાતે આવેલા તળાવ પાસે મેડિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યો છે જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવાને કારણે આડેધડ મેડિકલ વેસ્ટ નો નિકાલ કરવામાં આવે છે. જે જોખમી પુરવાર થઈ શકે છે.
પ્રદૂષણ નિયંત્રણ માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં વાપરવામાં આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યું છે જે માટે તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે.એટલું જ નહીં મેડિકલ વેસ્ટના ડેટા પણ મેન્ટેઈન કરવાના હોય છે. પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં તો આ બાબતે કડક રીતે ધ્યાન રાખવામાં આવે છે પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મેડિકલ વસ્ટનો નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.
ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગામ ખાતે આવેલા તળાવની પાસે જ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકે અહીંનો ફોટો પાડીને વાયરલ કર્યોે છે ત્યારે ફોટામાં સ્પષ્ટ સિરીંજ,સીરપ,હેન્ડ ગ્લોઉઝ નળી, સહિતના મેડિકલ વેસ્ટ અહીં આડેધડ ફેંકી દેવામાં આવ્યો હોવાનું દેખાય છે. જે ગેરકાયદે છે આ બાબતે સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરીને જાહેર આરોગ્યને જોખમમાં મૂકી ગમે ત્યાં મેડિકલ વેસ્ટ ફેકતા તત્વોને પ્રોત્સાહન આપે છે તો બીજી બાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ સમયાંતરે ચેકિંગ પણ કરવું જોઈએ.જો કે આમ નહીં થવાને કારણે જ આવી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે જે આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરનાક છે.


