કપડવંજ રૂરલ પોલીસે લગ્નની લાલચ આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ એક ફરિયાદીને ખોટી ઓળખ આપી અને લગ્ન કરવા માટે એક યુવતી બતાવી.
આ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ મંદિરમાં ફૂલહાર પહેરાવી લગ્ન કરાવ્યા. લગ્નના અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂ. ૨ લાખ ૬૦ હજાર રોકડા અને રૂ. ૫૫૦૦ ના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૨ લાખ ૬૫ હજાર ૫૦૦ પડાવી લીધા હતા. લગ્ન પછી યુવતી ફરિયાદીના ઘરેથી ભાગી ગઈ હતી અને ટોળકીએ સાથે મળીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ચૌધરી અને તેમની ટીમે આ ફરિયાદના આધારે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હવે આ આરોપીઓ દ્વારા અન્ય કોઈ ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ઝડપાયેલા આરોપી
૧. મીનાબેન અજયભાઈ પ્રતાપભાઈ વસાવા (ઉ.વ. ૩૪), રહે. બાકરોલ, આણંદ (મૂળ રહે. દાહોદ)
૨. ઈલાબેન ઉર્ફે લીલાબેન કાન્તીભાઈ ઉર્ફે સુરેન્દ્રભાઈ બાબરભાઈ પરમાર (ઉ.વ. ૪૧), હાલ રહે. અંકલેશ્વર, ભરૂચ (મૂળ રહે. પેટલાદ)
૩. કાન્તીભાઈ ઉર્ફે સુરેન્દ્રભાઈ બાબરભાઈ ઉર્ફે વાઘજીભાઈ પરમાર (ઉ.વ. ૪૮), હાલ રહે. અંકલેશ્વર, ભરૂચ (મૂળ રહે. પેટલાદ)
૪. રીનાબેન સુંદરભાઈ બુડિયાભાઈ વાડીવાલા (ઉ.વ. ૨૮), હાલ રહે. અંકલેશ્વર, ભરૂચ (મૂળ રહે. ઝઘડિયા)
પકડવાના બાકી આરોપીઓ:
૧. કનુભાઈ ઈશ્વરભાઈ પંચાલ, હાલ રહે. દહેગામ, ગાંધીનગર
૨. રાજુભાઈ કાન્તીભાઈ પરમાર, રહે. દહેગામ, ગાંધીનગર
REPOTER : નરેશ ગનવાણી નડિયાદ


