આમોદમાં નવજાત બાળકીને લોહીલુહાણ હાલતમાં ફેંકી દેવાઈ , દરબારગઢ વિસ્તારમાં જન્મ બાદ તરત જ બાળકીને મૂકી અજાણ્યો શખ્સ ફરાર, પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતુ.
આમોદ નગરમાં “બેટી બચાવો, બેટી પઢાવો”ના સૂત્રને શરમજનક બનાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના દરબારગઢ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ જન્મના થોડાક જ સમયમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકીને મકાનની પાછળની ગલીમાં મૂકી ભાગી છૂટ્યો હતો
ભાડાના મકાનમાં રહેતા લોકોએ બાળકીને જોઈ તાત્કાલિક મકાનમાલિક અને આજુબાજુના રહીશોને જાણ કરી હતી.
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે આમોદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીને કબજામાં લઈ સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ નાની બાળકીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે.
આમોદ પોલીસ મથકના પીઆઈ રાજેશ કરમટીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા વ્યક્તિ નવજાત બાળકીને અવાવરૂ જગ્યામાં મુકીને ભાગી ગયો છે. પોલીસે બાળકીનો કબ્જો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. બાળકી હાલ સ્વસ્થ છે. પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. અજાણ્યા આરોપીની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


