નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારીમાંથી બેથી લઈને અઢી હજાર ટન જેટલા એક્સપોર્ટ થાય છે. હાલમાં ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલો 500 રૂપિયા છે. ટેરિફ લાગુ થાય તો ઝીંગા ફાર્મરોએ ઝીંગા 375 રૂપિયામાં વેચવા પડશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતના ઝીંગા ઉદ્યોગને મોટો ફટકો પડવાની ભીતિ છે. હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે. જો કે તે લાગુ થાય તો ઝીંગા ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. જેનાં કારણે માછીમારીના વ્યવસાયને મોટો ફટકો પડી શકે છે.
70 ટકા ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે
ઝીંગા એક્સપોર્ટ સાથે સંકળાયેલા સુરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ભારતમાંથી દર વર્ષે ઉત્પાદિત થતાં ઝીંગા પૈકી 70 ટકા અમેરિકા, 20 ટકા ચીન અને 10 ટકા અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે. આંકડા મુજબ ભારતમાંથી 23,000 કરોડના ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તેમાં ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા નિકાસ થાય છે.


