રાજકોટમા ધનાઢ્ય લાભાર્થીઓએ રેશનકાર્ડ હેઠળ અનાજ મેળવ્યું હોવાની વાત સામે આવી છે, રાજકોટ જિલ્લાના 19,506 ધનાઢ્ય પરિવારોને પુરવઠા વિભાગે નોટિસ આપી છે, ધનાઢ્ય પરિવારો રેશનકાર્ડ હેઠળ અનાજ લેતા હોવાનો ખુલાસો થયો છે, વર્ષે 6 લાખની આવકના આઇટી રિટર્નમાં પુરાવા મુકીને અનાજ લીધુ હોવાની વાત સામે આવી છે, ગોંડલ, જેતપુર, જસદણના ધનાઢ્ય લાભાર્થીઓ પુરવઠા વિભાગની રડારમાં છે.
મફત અનાજ યોજનાના લાભાર્થીઓને ખુલાસો કરવા તાકીદ
કોરોનાકાળથી કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ અંતર્ગત રાશનકાર્ડ ધારકોને મફતમાં ઘઉં-ચોખા સહિતનું અનાજ ગરીબ પરિવારને મફત વિતરણ કરવામાં આવે છે. આ યાદીમાં રાજકોટના 19,506 ધનાઢ્ય પરિવારો સામેલ થઈ સરકારનું મફતનું અનાજ સહિતનો લાભ મેળવતા હોવાનો ઘટસ્ફોટ થતા પૂરવઠા તંત્ર દ્વારા તમામ લાભાથીઓને નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દુકાનમાંથી સરકાર દ્વારા દર મહિને ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવે છે
પૂરવઠા વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધી હેઠળ નોંધાયેલા લાભાર્થી ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા વાર્ષિક ૬ લાખથી વધુની આવક ધરાવતા વ્યક્તિ, કંપનીમાં ડાયરેક્ટર તરીકે નોંધાયેલા અને જીએસટીમાં વાર્ષિક ૨૫ લાખનું ટર્ન ઓવર ધરાવતા વ્યક્તિઓનો ડેટા એકત્ર કરીને પૂરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે. લાખો રૂપિયાનો સરકારને ટેકસ ચૂકવતા આવા લાભાર્થીઓ NFSAમાં સામેલ થઈ સસ્તા અનાજની દુકાનમાંથી સરકાર દ્વારા દર મહિને વિતરણ કરવામાં આવતા અનાજ-કઠોળ સહિતનો મફત અનાજનો લાભ લેતા હોવાની વાત સામે આવી છે.


