ભરૂચ શહેરમાં છેલ્લા 13 વર્ષથી અધૂરી પડેલી ભૂગર્ભ ગટર યોજનાને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2014માં શરૂ થયેલી આ યોજનાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. શહેરના અનેક વિસ્તારોમાં ગટરની લાઇન નાખવામાં આવી નથી, તેમ છતાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારોના રહેવાસીઓને રૂ. 500નો ગટર વેરો ભરવા માટેની નોટિસ મોકલવામાં આવી છે.
આ નોટિસ મળતા જ નાગરિકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. અનેક નાગરિકોએ વિપક્ષના નેતાઓ અને નગરસેવકો સાથે મળીને પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. નાગરિકોનો આક્ષેપ છે કે જ્યાં કામ જ પૂર્ણ થયું નથી ત્યાં વેરો વસૂલવાનો પ્રયાસ ગેરવ્યાજબી અને અન્યાયી છે. આ ઘટનાએ પાલિકાની કામગીરી પર ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને વેગ આપ્યો છે.
આ વિવાદ પર નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિક પાસેથી અન્યાયી રીતે વેરો વસૂલવામાં નહીં આવે અને જો નોટિસમાં કોઈ ભૂલ થઈ હશે તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે. જોકે, ધીમી ગતિએ ચાલતા કામને લઈને નાગરિકોમાં અસંતોષ યથાવત છે. તેઓ આશા રાખી રહ્યા છે કે વર્ષોથી અટવાયેલી આ યોજનાનું કામ હવે ઝડપથી પૂર્ણ થશે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


