હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે તે દર્શાવતો એક કિસ્સો જંબુસર તાલુકાના સારોદ ગામ નજીક બન્યો છે. સવારે વહેલા દૂધ લેવા જઈ રહેલા એક બાઈક સવાર પર અચાનક વૃક્ષની ડાળી તૂટી પડતા તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. સદનસીબે તેમણે હેલ્મેટ પહેરેલું હોવાથી માથામાં ગંભીર ઈજા થતાં તેમનો જીવ બચી ગયો હતો.
સારોદ ગામના સાદિકભાઈ ધેડ પોતાના વ્યવસાય માટે સવારે 5 વાગ્યે બાઈક પર નીકળ્યા હતા. રસ્તામાં બાવળના ઝાડની એક મોટી ડાળી અચાનક તેમના પર તૂટી પડી હતી. હેલ્મેટના કારણે માથાના ભાગે ઈજા ન થઈ, પરંતુ કપાળમાં વાગવાથી તેઓ બેભાન થઈ ગયા હતા.
આ સમયે જંબુસર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ બાથમ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે તાત્કાલિક સાદિકભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમની મદદ માટે એક એસટી બસના મુસાફરો પણ જોડાયા હતા. સૌના સહિયારા પ્રયાસથી ડાળી હટાવીને સાદિકભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા.
એ.એસ.આઈ. બાથમની ગાડીમાં જ સાદિકભાઈને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું મહત્ત્વનું છે.
REPOTER : કેતન મહેતા, સારોદ


