ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર ન મળવાને કારણે હડતાળ પર ઉતરી ગયા છે, જેના પરિણામે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રક્ષાબંધન જેવા મહત્વના તહેવાર પહેલા પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પગાર વિલંબથી ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ નગરપાલિકાના ગેટ બહાર કામકાજ બંધ કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. તેમણે પાલિકા પ્રમુખ જલ્પા પટેલની કચેરીનો ઘેરાવ કરી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગણી કરી હતી. પરંતુ કોઈ સ્પષ્ટ નિરાકરણ ન આવતા, આખરે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.
આ હડતાળના કારણે આમોદ શહેરની સ્વચ્છતા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને દુકાનોની આસપાસ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, “બે થી ત્રણ દિવસમાં તમામ કર્મચારીઓને તેમનો પગાર ચૂકવી દેવામાં આવશે.” જોકે, નાગરિકો આશ્વાસનથી સંતુષ્ટ નથી અને તેઓ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, અને તાત્કાલિક શહેરમાં સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા માંગણી કરી રહ્યા છે.
REPOTER : કેતન મહેતા, આમોદ


