મહેસાણા જીઆઇડીસી ખાતે આવેલ આરુષ હાઈટ્સ ફ્લેટમાં બ્રાન્ડેડ મસાલાનું ડુપ્લીકેશન થતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ બેચરાજીના ગૃહ ઉદ્યોગ સંચાલક દ્વારા બે મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બેચરાજી એમડીપીએલ ગૃહ ઉદ્યોગ સંચાલક રાજેશ લાલજીભાઈ પટેલની ફરિયાદ મુજબ તેમના ગૃહ ઉદ્યોગમાં બ્રાન્ડેડ પાર્સલ મસાલા બનાવી વેચાણ કરવામાં આવે છે.
જોકે છેલ્લા બે માસથી તેમને ગ્રાહકો તરફ્થી મસાલામાં સોપારી કડવી આવતી હોવાની ફરિયાદ મળતી હતી. જે આધારે તેમના સેલ્સમેન દ્વારા તપાસ કરતા કોઈ શખ્સો દ્વારા તેમના મસાલાનું ડુપ્લિકેશન કરાતું હોવાની વિગતો સામે આવી હતી. તેવામાં જ એક અજાણી મહિલાએ તેમના કસ્ટમર કેર નંબર પર ફોન કરી મસાલા પેકિંગનું કામ આપવા અંગે ઇન્કવાયરી કરી હતી. જેમાં મસાલા ઉત્પાદન કરતાઓ દ્વારા બહાર ક્યાંય આ કામ આપવામાં ન આવતું હોવાનું સ્પષ્ટ કરાયું હતું. જેથી ફોન કરનાર મહિલાએ મહેસાણા જીઆઇડીસી ખાતે આવેલ આરુષ હાઇટ્સ ફ્લેટમાં મજૂરી પર મસાલા બનાવવામાં આવતા હોવાની વાત કરી હતી. ડુપ્લીકેટ મસાલાના 14 કટ્ટા મળી 61,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


