સુરતના ઉધના પોલીસે રૂ. 1,550 કરોડના વિશાળ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં RBL બેંકના કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેંકના કર્મચારીઓએ નકલી દસ્તાવેજોના આધારે 62 જેટલાં નકલી કરંટ એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી,
જેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો.આ રેકેટમાં આઠ કર્મચારીઓ સામેલ હતાં, જેમાં એરિયા હેડ અમિત ગુપ્તા, સર્વિસ ડિલિવરી મેનેજર અરુણ ઘોઘરી, તેમજ મેન્સી ગોતી, કલ્પેશ કથેરિયા, આશિષ ધડિયા, અનિલ જાની, નરેશ મનાણી અને કલ્પેશ કાકડિયાનો સમાવેશ થાય છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. RBL બેંકે આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.તપાસમાં ખુલાસો થયો છે કે આ રેકેટના મુખ્ય આરોપીઓનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને ક્રિપ્ટો સ્કેમ્સ સાથે જોડાણ છે, જેના દ્વારા મોટા પાયે નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે આ કેસની વધુ તપાસ માટે ફોરેન્સિક એનાલિસિસ શરૂ કર્યું છે, જેથી આ નેટવર્કના અન્ય સભ્યો અને તેમની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે.આ ઘટનાએ બેંકિંગ સિસ્ટમમાં નકલી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા અને સાયબર ગુનાઓ પર અંકુશ લગાવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. ઉધના પોલીસે જણાવ્યું કે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ માટે તપાસને વેગ આપવામાં આવશે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


