કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને રસ્તાઓની અત્યંત ખરાબ હાલત હોવા છતાં ટોલ ટેક્સ વસૂલવા બદલ આકરો ઠપકો આપ્યો છે.
હાઈકોર્ટે એડાપલ્લીથી મન્નુથી સુધીના નેશનલ હાઈવે-544 ની ખરાબ સ્થિતિ અંગે દાખલ થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોય, તો તેનો અર્થ એ થાય કે સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યારે રસ્તાઓ વાહન ચલાવવા માટે યોગ્ય નથી. ત્યારે લોકો પાસેથી ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવી રહ્યો છે?
જો જવાબદારી ન નિભાવી શકો તો ટોલ બૂથ બંધ કરો
જસ્ટિસ એ. મુહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ હરિશંકર વી. મેનનની બેન્ચે NHAIના વકીલને સવાલ કર્યો શું તમે ટોલ વસૂલવા સિવાય બીજું કોઈ કામ કરો છો? બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે રસ્તાઓને સારી સ્થિતિમાં રાખવાની જવાબદારી NHAIની છે. જો NHAI આ જવાબદારી નિભાવી શકતી નથી, તો તેમણે ટોલ બૂથ બંધ કરી દેવા જોઈએ.
ફરિયાદો સાંભળીને ઉકેલ લાવવાનો નિર્દેશ
કોર્ટે ચેતવણી આપી કે જો NHAI ખરાબ રસ્તાઓને કારણે થતા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં નહીં ભરે, તો કોર્ટ પોતે ટોલ બૂથ બંધ કરવાનો આદેશ આપી શકે છે. આ નિર્ણય બાદ, કોર્ટે હાલ પૂરતો ચાર અઠવાડિયા માટે ટોલ વસૂલાત પર પ્રતિબંધ મૂક્યો છે અને કેન્દ્ર સરકારને આ મામલે જનતાની ફરિયાદો સાંભળીને ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો છે.
NHAIને સમયમર્યાદા
કોર્ટે NHAIને મુથુકુલમ અને હરિપદ વચ્ચેના હાઈવેનું તાત્કાલિક સમારકામ કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જો આગામી સુનાવણી સુધીમાં રસ્તાઓનું સમારકામ નહીં થાય, તો NHAIના અધિકારીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે.


