આમોદના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ મામલે પોલીસે ૧૫ વર્ષીય સગીર માતાની અટકાયત કરી હતી, જેણે સમાજમાં બદનામીના ડરથી પોતાની નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સગીરાનો સગો બનેવી જ આ બાળકીનો પિતા છે. બનેવીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.
આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે સગીરાના સગા બનેવી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીર માતા અને નવજાત બાળકી બંને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયા ચલાવી રહ્યા છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


