અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫-૨૫ ટકા ટેરિફ ઝીંકવાની સાથે વધુ ટેરિફની ધમકી આપી છે ત્યારે આ વિવાદ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જેની સીધી અસર ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપત્રીય વેપાર કરાર પર પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના ટેરિફ ટેરરિઝમ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધા બાદ હવે ટ્રમ્પે ભારત સાથેની વેપાર વાટાઘાટો આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું કે ટેરિફ વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી દ્વિપક્ષીય વેપાર મુદ્દે કોઈ વાટાઘાટો નહીં થાય.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સોદો જ અભેરાઈએ ચઢાવી દેવાયો હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓવલ ઓફિસમાં ગુરુવારે ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો કે ભારત પર ૫૦ ટકા ટેરિફની જાહેરાત પછી શું તેઓ વેપાર વાટાઘાટો ચાલુ રાખશે? આ અંગે જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, અમે ટેરિફ વિવાદનો ઉકેલ લાવીએ નહીં ત્યાં સુધી હવે વેપાર વાટાઘાટો પણ થશે નહીં.
ટ્રમ્પની ટેરિફની જાહેરાતો પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય વેપાર કરારો પર વાટાઘાટો ચાલતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સત્તા સંભાળ્યા બાદથી જ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી હતી. ભારત તરફથી મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય ટીમે અમેરિકન અધિકારીઓ સાથે પાંચ તબક્કામાં ચર્ચા કરી હતી. ટ્રમ્પે જુલાઈમાં ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી તે પહેલાં બંને દેશો વચ્ચે દ્વિપત્રીય વેપાર કરાર થઈ જશે તેમ મનાતું હતું. પરંતુ ભારતે કૃષિ અને ડેરી ઉદ્યોગને અમેરિકન કંપનીઓ માટે નહીં ખોલવાના નિર્ણય પર મક્કમ વલણ અપનાવતા વેપાર સોદો થઈ શક્યો નહોતો. ત્યાર પછી અમેરિકાની ટીમ વધુ વાટાઘાટો માટે આ મહિનાના અંતમાં ભારત આવવાની હતી, પરંતુ એ પહેલાં જ ટ્રમ્પે ભારત પર પહેલાં ૨૫ ટકા અને પછી ૨૫ ટકા એમ ૫૦ ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી દીધી હતી. પરિણામે હવે અમેરિકાની ટીમ ભારત નહીં આવે તેમ મનાય છે. આ સાથે ટ્રમ્પે ટેરિફ વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારત સાથે વેપાર સોદા અંગે વાટાઘાટો નહીં કરવાનું જણાવ્યું છે.
બીજીબાજુ ટ્રમ્પે ભારત સાથે વેપાર સોદાની વાટાઘાટો અટકાવતા ભારતે પણ અમેરિકાને ચાર્જ ઘટાડવા વિનંતી કરવાના બદલે વધેલા ચાર્જને સમાયોજિત કરતા વેપાર વધારવાની દિશામાં કામ શરૂ કર્યું છે. વધુમાં ભારતે હવે વૈકલ્પિક રણનીતિ અપનાવતા યુરોપીયન યુનિયન (ઈયુ), ઓમાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો સાથે વેપાર સમજૂતી પર ફોકસ શરૂ કર્યું છે. ભારત અને બ્રિટનનો દ્વિ-પક્ષીય વેપાર કરાર આ વર્ષથી લાગુ થઈ જશે. ઈયુ સાથે એફટીએ થશે તો ભારતને ફ્રાન્સ, જર્મની સહિત ૨૭ દેશોમાં મુક્ત વેપારની તકો મળશે.
દરમિયાન ટ્રમ્પે ભારત સહિત દુનિયાના ૬૦થી વધુ દેશો પર નાંખેલા ૧૫ ટકાથી ૪૧ ટકા સુધીના રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે ભારતમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ટેરિફનો અમલ શરૂ થતા જ વોલમાર્ટ, અમેઝોન, ટાર્ગેટ અને ગેપ સહિત અમેરિકાની ટોચની રીટેલ કંપનીઓએ ભારતમાંથી આયાત થતો સામાન હાલ અટકાવી દીધો છે. અમેરિકન કંપનીઓએ ભારતીય નિકાસકારોને તેમના ઓર્ડર અટકાવી દેવા પત્ર અથવા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે.
અમેરિકન કંપનીઓએ ભારતીય ઉત્પાદકોને તેમની ફેક્ટરી ભારત બહાર ખસેડવા જણાવ્યું છે. અમેરિકન કંપનીઓએ કહ્યું કે, તેમણે આગામી આદેશ સુધી ભારતમાંથી રેડી મેડ ગાર્મેન્ટની આયાત અટકાવી છે. અમેરિકન કંપનીઓ ઈચ્છે છે કે ટેરિફના કારણે માલ-સામાન પર વધેલો ખર્ચ ભારતીય કંપનીઓ વહન કરે. આ ટેરિફના કારણે અમેરિકામાં વેચાતા સામાનનો ભાવ ૩૦થી ૩૫ ટકા વધી જવાની સંભાવના છે.
ભારતના વેલસ્પન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટ્સ, ઈન્ડો કાઉન્ટ અને ટ્રાઈડેન્ટ જેવા મુખ્ય નિકાસકારોની અમેરિકામાં ૪૦થી ૭૦ ટકા આયાત છે, જે હાલ અટકી ગઈ છે.


