ગાંધીનગરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રવિવારે ૨૪ કલાક દરમિયાન વધુ ચાર પોઝિટિવ કેસ કોર્પોરેશન વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યા છે જેમાં બેંકમાં ફરજ નિભાવતા બે કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે આ ઉપરાંત સેક્ટર -૧ તથા સેક્ટર-૬માંથી પણ એક એક કેસ મળી આવ્યા છે આમ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ કોરોનાના ૪૨ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે.
અતિ ચેપી વાયરસ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર કોર્પોરેશનના સરગાસણ, સે-૬ તથા બેંકીગ ઝોનમાં ચેપ પ્રસરી રહ્યો છે. આવતીકાલથી સ્કૂલો ખુલી રહી છે ત્યારે વધતા જતા કોરોના કેસ પણ વાલીઓ માટે ચિંતાનો વિષય છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી વધુ ચાર કેસ મળી આવ્યા છે.આ અંગે ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર કોર્પોરેશનના સરગાસન વિસ્તારમાં રહેતા અને સેક્ટર ૧૬ ની બેંકમાં ફરજ નિભાવતા યુવા કર્મચારીને તાવ તથા શરીર દુઃખાવાની સમસ્યા રહેતી હતી જેના પગલે આ યુવાને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તો સેક્ટર-૨૨માં રહેતી ૨૫ વર્ષીય બેંકની મહિલા કર્મચારીને તાવ અને કફ ની સમસ્યા હતી ડોક્ટરની સલાહ પ્રમાણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો છે.
સેક્ટર-૬માં રહેતો ૩૮ વર્ષિય યુવાન કે જે ખાનગી નોકરી કરે છે તેને ગળામાં બળતરા ઉપરાંત તાવ, કફ ,માથામાં દુઃખાવાની ફરિયાદ રહેતી હતી ડોક્ટરે તેનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.આ ઉપરાંત સેક્ટર-૧માં રહેતી ૫૪ વર્ષીય ગૃહિણીને ઘણા દિવસથી તાવ અને અશક્તિ-નબળાઈ રહેતી હતી તેણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ આ મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેણીને સારવાર આપવામાં આવી રહી છે.


