જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે 9 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે. કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
1 ઓગસ્ટના રોજ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આજે નવમા દિવસે આતંકવાદી સાથેની અથડામણમાં 1 આતંકવાદી ઠાર થયો અને સેનાના 2 જવાન શહીદ થયા.
છુપાયેલા આતંકવાદીઓની શોધ ચાલુ
ગઇકાલ મોડી રાતથી જોરદાર વિસ્ફોટો અને ગોળીબારના અવાજોથી અખાલ વિસ્તાર ગુંજી ઉઠયો હતો. એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયમાં આ એન્કાઉન્ટર સૌથી લાંબો સમય ચાલતું આતંકવાદ વિરોધી ઓપરેશન છે. કુલગામના અખાલ વિસ્તાર ગાઢ જંગલો અને પહાડોથી ઢંકાયેલો છે. આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયો હોવાની શંકા છે. સુરક્ષા દળો આ છુપાયેલા આતંકવાદીઓની શોધમાં છે આ માટે શંકાસ્પદ ઠેકાણા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
આતંકવાદીઓ સામે ‘ઓપરેશન અખાલ’
સુરક્ષા અધિકારીઓ આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરવા માટે નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ સામસામે છે. કુલગામમાં અખાલના જંગલમાં ચારથી પાંચ આતંકવાદીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને સ્પેશિયલ ઓપરેશન દ્વારા 1 ઓગસ્ટના રોજથી સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન અખાલ’ રાખવામાં આવ્યું છે.
સેનાની ઓપરેશન પર નજર
દરમિયાન તંકવાદીઓ સાથેની અથડામણમાં ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં સેનાના બે જવાન શહીદ થયા જ્યારે બે અન્ય જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સેના હેલિકોપ્ટર દ્વારા આતંકવાદીઓ સામેના આ મોટા ઓપરેશન પર નજર રાખી રહી છે. સેનાના ઉત્તરીય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા ગઈકાલે દક્ષિણ કાશ્મીરની મુલાકાતે હતા જ્યાં તેમને ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી હતી.


