આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. પાવન પૂનમના દિવસે આજે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો.
આજે સવારે પુજારી પરિવારની મહિલાઓ દ્વારા ભસ્મ આરતી બાદ ભગવાન મહાકાલને રક્ષા બાંધવામાં આવી. ત્યારબાદ ભગવાન મહાકાલને રક્ષાબંધન નિમિત્તે સવા લાખ લાડુઓનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો.
ભગવાન મહાકાલને ભક્તિપૂર્વક રક્ષા બાંધી પૂજન
આ પ્રસાદીનું વિતરણ ભક્તોને વહેલી સવારે જ શરૂ થઈ ગયું હતું. મહાકાલના દર્શન કરવા આવેલા દરેક ભક્તને આ મહાભોગનો લાભ મળ્યો હતો. મંદિરના પવન પુજારી જણાવે છે કે દર વર્ષે શ્રાવણ શુક્લ પૂર્ણિમા, એટલે કે રક્ષાબંધનના દિવસે, પુજારી પરિવાર દ્વારા ભગવાન મહાકાલને ભક્તિપૂર્વક રક્ષા બાંધી પૂજન કરવામાં આવે છે અને મહાભોગ તરીકે સવા લાખ લાડુ અર્પણ કરવામાં આવે છે.


