રક્ષાબંધન, ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર, આ વર્ષે એક અનોખી ઘટના સાથે વધુ યાદગાર બની ગયો. મુંબઈની 15 વર્ષીય અનમતા અહેમદે, વલસાડમાં સ્વર્ગસ્થ રિયા મિસ્ત્રીના ભાઈ શિવમને રાખડી બાંધી, જે ઘટનાએ માનવતા, પ્રેમ અને લાગણીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું.
આ ઘટના માત્ર એક તહેવારની ઉજવણી નથી, પરંતુ અંગદાનના મહત્વ અને માનવીય સંબંધોની શક્તિનો સંદેશ આપે છે.સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. રિયાના માતા-પિતા, બોબી અને ત્રીષ્ણાએ,તેમની નાની દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો, જે એક અદમ્ય હિંમતનું પગલું હતું. ડોનેટ લાઇફ સંસ્થાની મદદથી રિયાના જમણા હાથનું દાન કરવામાં આવ્યું, જે વિશ્વમાં આ પ્રકારનો પહેલો કિસ્સો બન્યો, જ્યાં આટલી નાની ઉંમરની બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું.આ હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં 15 વર્ષીય અનમતા અહેમદને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. અનમતાએ ઇલેક્ટ્રિક શોકને કારણે ખભાથી પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો, જેના કારણે તેનું જીવન નિરાશામાં ડૂબી ગયું હતું. રિયાના હાથના ટ્રાન્સપ્લાન્ટે અનમતાના જીવનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો.આ વર્ષના રક્ષાબંધન પર, અનમતા તેના પરિવાર સાથે વલસાડ આવી, જેથી તે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધી શકે. જ્યારે અનમતાએ રિયાના હાથથી શિવમના કાંડે રાખડી બાંધી, ત્યારે ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ. શિવમે અનમતાના હાથને વારંવાર સ્પર્શ કર્યો, જાણે તેની નાની બહેન રિયા ફરીથી જીવંત થઈ હોય. રિયાના માતા-પિતા, બોબી અને ત્રીષ્ણાએ જણાવ્યું, “અમને લાગે છે કે રિયા અમારી વચ્ચે પાછી આવી છે. અનમતાના હાથમાં અમારી દીકરીની યાદો જીવંત છે.”
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


