આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આમોદ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, આછોદ ગામના રહેવાસી યહયા યાકુબ મુસા પટેલ (ઉં.વ. ૧૯) તેમના મિત્ર સલીમ સફીક સાથે જમવાનું લેવા માટે આમોદ ગયા હતા. રાત્રે લગભગ ૯:૩૦ કલાકે, જમવાનું લઈને પરત ફરતી વખતે, આછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પાસે એક ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ટેન્કર ચલાવી બાઇકને ટક્કર મારી હતી.
ટેન્કરની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક યહયા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા તેમના મિત્ર સલીમ સાદીકને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંને યુવાનોને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યહયા પટેલને મૃત જાહેર કર્યા હતા.
આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટેન્કર ચાલક તારકનાથ દુધનાથ ચતુરવેદી (રહે. ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


