અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને પોતાના વિઝા ઇન્ટરવ્યુ કાર્યક્રમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ડ્રોપબોક્સ કાર્યક્રમ એટલે કે ઇન્ટરવ્યુની છૂટ એ 2 સપ્ટેમ્બરથી સમાપ્ત થવાનો છે. B1/B2, H-1B સહિતની વધુ વિઝા શ્રેણીઓ માટે આ કાર્યક્રમ હવે લાગુ નહીં રહેશે. એટલે કે હવે દરેક વ્યક્તિએ વિઝા મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવું પડશે.
નિયમથી સીધી અસર ભારતીયો પર પડશે
અમેરિકી સરકારના આ નિર્ણયથી ખાસ કરીને તે લોકોને વધારે અસર પડશે, જે પોતાનું H1-B, L1, F1, અથવા O1 વિઝા રિન્યૂ કરાવવા માંગે છે. હવે 14 વર્ષથી ઓછા બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વિદેશમાં આવેલા અમેરિકન દૂતાવાસમાં અધિકારી સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું ફરજિયાત બનશે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકાના વિઝા ધરાવે છે. તેથી આ બદલાવની સીધી અસર ભારતીય નાગરિકો પર પડશે.
અમેરિકન વિઝા નીતિમાં નવા ફેરફાર
આ ફેરફારને આમ સમજી શકાય કે હવે નોન-ઇમિગ્રન્ટ વિઝા રિન્યૂ કરવા માટે ઇન્ટરવ્યૂમાંથી છૂટ મળતી નથી. હવે ઇન્ટરવ્યૂમાંથી છૂટ બહુ મર્યાદિત બની ગઈ છે. માત્ર અધિકૃત અથવા રાજદ્વારી વિઝા ધરાવનાર વ્યક્તિઓને જ ઇન્ટરવ્યૂમાંથી છૂટ મળી શકે છે. વિશેષજ્ઞોનું આ બાબતે કહેવુ છે કે આ બદલાવ બાદ લાંબુ વેઇટિંગ લિસ્ટ વધી શકે છે અને ઇન્ટરવ્યૂની તારીખ મેળવવા માટે મોટી માંગ ઊભી થઈ શકે છે. પરિણામે મુસાફરીના આયોજનમાં વિલંબ જેવી સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ ગંભીર સમસ્યા બની શકે છે.
બદલાવ કેમ કરાયો?
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) જણાવે છે કે દૂતાવાસ અધિકારીઓને કેસના પ્રકાર પ્રમાણે અથવા સ્થાનિક પરિસ્થિતિઓના આધારે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવાની જરૂર પડી શકે છે. આવનારા સમયમાં વિઝા પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે વૈશ્વિક સુરક્ષા ચિંતાઓ વચ્ચે આઇમિગ્રેશન પ્રક્રિયાઓની સમીક્ષા બાદ આ નીતિગત ફેરફાર કર્યો છે. અમેરિકન વિદેશ વિભાગ મુજબ આ બદલાવનો મુખ્ય હેતુ સુરક્ષા વધારવો છે.