સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી શ્રુતિ હાસને હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેના કારણે શ્રુતિના ફેન્સ ચિંતિત થઈ ગયા છે.
કમલ હાસનની પુત્રી શ્રુતિ ઘણીવાર તેના વ્યાવસાયિક તેમજ અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે એક પ્રોજેક્ટ દરમિયાન તીવ્ર લડાઈ કરતી દેખાય છે. જોકે, આ લડાઈ શારીરિક નહીં પરંતુ માનસિક છે. શ્રુતિએ જણાવ્યું કે તે બે વિચારોમાં ફસાઈ ગઈ છે અને કોઈ નિર્ણય લઈ શકતી નથી.
શ્રુતિ હાસનની રહસ્યમય પોસ્ટ વાયરલ
શ્રુતિની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોના કેપ્શનમાં પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા લખ્યું છે કે, અદૃશ્ય થઈ જવાની અને બધાને છોડીને નવું જીવન શરૂ કરવાની ઈચ્છા સામે એક અવાજ છે, જે કહે છે કે વિશ્વાસ રાખો અને રાહ જુઓ. તેણીએ આગળ કહ્યું હતું કે તે જીવનના બે રસ્તાઓ પર ઉભી છે એક તરફ બધું પાછળ મૂકી નવેસરથી શરૂઆત કરવાનો વિચાર અને બીજી તરફ ધીરજ રાખીને રાહ જોવી.
શ્રુતિએ આગળ જણાવ્યું કે, ‘મને મોટું પગલું ભરવામાં ડર લાગે છે પરંતુ સાથે જ એ પણ ખબર છે કે જો હું આ કરીશ તો કદાચ કોઈ ખાસ ફરક નહીં પડે… હું ક્યાંક વચ્ચે અટવાઈ ગઈ છું. શ્રુતિની આ પોસ્ટે તેના ફેન્સને થોડા ચિંતિત કરી દીધા છે. તેઓ ટિપ્પણીઓ દ્વારા તેના પ્રત્યે ચિંતા અને પ્રેમ બંને વ્યક્ત કરી રહ્યા છે.
અભિનેત્રી હાલમાં ગંભીર મૂંઝવણમાંથી પસાર થઈ રહી છે. શ્રુતિ હાસનની આ પોસ્ટ સ્પષ્ટ કહે છે કે, ભલે તે એક સફળ અભિનેત્રી હોય છતાં જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ નિર્ણયોનો અનુભવ કર્યો છે. એવી આશા છે કે શ્રુતિ ટૂંક સમયમાં પોતાની મૂંઝવણ દૂર કરી યોગ્ય નિર્ણય લઈ શકશે.


