ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે પોતાની તોફાની બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા ડેવાલ્ડ બ્રેવિસ સામે કાંગારૂ ટીમનું બોલિંગ આક્રમણ મજાક જેવું લાગતું હતું.
બેબી એબીએ બેટથી ધૂમ મચાવી અને માત્ર 41 બોલમાં પોતાની સદી ફટકારી. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. આ સાથે આ ફોર્મેટમાં પ્રોટીઝ ટીમ તરફથી બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ ડેવાલ્ડ બ્રેવિસના નામે નોંધાઈ ગયો છે.
ડેવાલ્ડ બ્રેવિસે રચ્યો ઈતિહાસ
ટોસ હારી પહેલા બેટિંગ કરવા આવેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. રિયાન રિકલ્ટન માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જ્યારે એડમ માર્કરામ 18 રન બનાવીને ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો હતો.
આ પછી ડેવાલ્ડ બ્રેવિસ ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. બેબી એબીએ ક્રીઝ પર આવતાની સાથે જ જોરદાર શોટ મારવાનું શરૂ કરી દીધું. કાંગારૂ બોલિંગ આક્રમણ બ્રેવિસ સામે સંપૂર્ણપણે હેરાન જોવા મળ્યું હતું. વિસ્ફોટક સ્ટાઈલમાં રમતા તેને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી.
સાઉથ આફ્રિકા માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન
પોતાની અડધી સદી પૂરી કર્યા પછી બ્રેવિસે વિસ્ફોટક ફોર્મ ધારણ કર્યું અને આગામી 16 બોલમાં પોતાની સદી પૂરી કરી. ડેવાલ્ડ બ્રેવિસ સાઉથ આફ્રિકા તરફથી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આ સાથે તે પ્રોટીઝ ટીમ તરફથી ઝડપી ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો છે. ડેવાલ્ડ બ્રેવિસે 56 બોલનો સામનો કર્યો અને 125 રનની અણનમ ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 12 ચોગ્ગા અને 8 ઉંચા છગ્ગા ફટકાર્યા.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સદી
ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 41 બોલમાં સદી પૂરી કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આ સાથે પ્રોટીઝ ટીમ તરફથી ઝડપી ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ ડેવાલ્ડ બ્રેવિસના નામે નોંધાઈ ગયો છે.


