જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ 1,200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
ST બસમાં એડવાન્સ બુકિંગનો ઘસારો
જન્માષ્ટમીના તહેવારને લઈને મુસાફરોએ ST બસમાં મૂસાફરી કરવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનો ભારે ઘસારો જોવા મળ્યો છે. છેલ્લા 48 કલાકમાં કુલ 1,98,667 સીટોનું ઓનલાઈન બુકિંગ થઇ ચૂક્યું છે. આ આંકડો દર્શાવે છે કે લોકો ST બસની સેવા પર કેટલો વિશ્વાસ મૂકી રહ્યા છે. આ અગાઉ રક્ષાબંધનના તહેવાર દરમિયાન પણ કુલ 3,34,000 મુસાફરોએ ST માં મૂસાફરીનો લાભ લીધો હતો, જે સફળતાનો વધુ એક દાખલો પૂરા પાડે છે.
યાત્રિકોની સુવિધા ST વિભાગની પ્રાથમિકતા
ST વિભાગ દ્વારા તહેવારોમના સમયે યાત્રિકોની સુવિધાને પ્રથમિકતા આપવામાં આવે છે. આ વધારાની બસો ખાસ કરીને સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને ધાર્મિક સ્થળોને જોડતા રૂટ પર દોડવામાં આવશે. જેના કારણે મુસાફરો સરળતાથી પોતાના ગામ કે મેળાઓ સુધી પહોંચી શકશે. ST વિભાગનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવા જતાં લાખો લોકોને મોટી રાહત મળશે.


