બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કારણ કે આ બંને પર 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ આર્થિક ગુના શાખા (EOW) એ મુંબઈના એક ઉદ્યોગપતિ પાસેથી 60.48 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ શિલ્પા અને રાજની બંધ થઇ ગયેલી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે લોન અને રોકાણ સોદા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
શું છે આરોપ ?
ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે તેમણે તેમને 2015-2023 ની આસપાસ વ્યવસાય વિસ્તરણ માટે 60.48 કરોડ આપ્યા હતા. પરંતુ તેમણે તે વ્યક્તિગત ખર્ચ તરીકે ખર્ચ્યા હતા. દીપક કોઠારીએ એવો પણ દાવો કર્યો હતો કે તે 2015 માં એક એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે બંને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા.
તે સમયે શિલ્પા શેટ્ટી પાસે કંપનીમાં 87 ટકાથી વધુ શેર હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજેશ આર્યએ કંપની માટે 12 ટકા વાર્ષિક વ્યાજ પર 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી. પરંતુ ઊંચા કરથી બચવા માટે તેમણે આ પૈસા રોકાણ કરવાનું સૂચન કર્યું. ત્યારબાદ એક બેઠક યોજાઈ અને પૈસા સમયસર પરત કરવામાં આવશે તેવા વચન સાથે સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
લોન ક્યારે લેવામાં આવી?
મળતી માહિતી મુજબ આ સોદા માટે તેમના દ્વારા 60.48 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. 3.19 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. દિપક કોઠારીનું કહેવુ છે કે શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016 માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. પરંતુ થોડા મહિના પછી એટલે કે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી તરત જ કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પ્રકાશમાં આવ્યો હતો.
તેમનું કહેવું છે કે તેમણે વારંવાર પૈસા પાછા માંગ્યા છે. પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારબાદ કોઠારીએ પોતાની ફરિયાદમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર 2015-2023 દરમિયાન કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે વ્યવસાયિક હેતુ માટે પૈસા માંગ્યા હતા અને તેને વ્યક્તિગત ખર્ચ માટે ખર્ચ્યા હતા.
શિલ્પાના વકીલે શું કહ્યું?
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઓક્ટોબર 2024 માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે કોઈ ગુનાહિતતા નથી અને તેમણે EOW ને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે.


