અનુપમ ખેર બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓ અને દિગ્દર્શકોમાંથી એક છે. ચાર દાયકાની કારકિર્દીમાં, તેમણે 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 8 ફિલ્મફેર પુરસ્કારો મળ્યા છે. હાલમાં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને રાજ કપૂર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનુપમ ખેરની સતીશ કૌશિક સાથે હતી ગાઢ મિત્રતા
અનુપમ ખેરને રાજ કપૂર એવોર્ડ સાથે ટ્રોફી અને 10 લાખ રૂપિયા એનાયત કરવામાં આવ્યા. આ રકમ દ્વારા તેમણે હવે તેમની અભિનય શાળામાં સતીશ કૌશિક શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત, તેમણે ગરીબ ઉમેદવારોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.
અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને આ અંગે માહિતી આપી છે. તેમણે આ પુરસ્કાર માટે મહારાષ્ટ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. વીડિયોમાં અનુપમ ખેરે ‘સતીશ કૌશિક શિષ્યવૃત્તિ’ની જાહેરાત કરી હતી. આ શિષ્યવૃત્તિનો હેતુ તેમની અભિનય સંસ્થામાં અભ્યાસ કરતા ગરીબ અને લાયક ઉમેદવારોને મદદ કરવાનો છે.
અનુપમ ખેરે કરી જાહેરાત
અનુપમ ખેરે એ પણ જાહેરાત કરી કે તેમના દિવંગત મિત્ર અને અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકની હસતી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વીડિયો શેર કરતા અનુપમ ખેરે તેના કેપ્શનમાં લખ્યું કે, ‘મને મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ કપૂર એવોર્ડ માટે મળેલી રકમમાંથી મારી એક્ટિંગ સ્કૂલના ગરીબ ઉમેદવાર માટે સતીશ કૌશિક શિષ્યવૃત્તિની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે. સ્ટુડિયોમાં સતીશ કૌશિકની હસતી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે!’
અનુપમ ખેર મિત્ર સતીશ કૌશિકને હંમેશા યાદ કરે
અનુપમ ખેર ઘણીવાર તેમના નજીકના મિત્ર, સ્વર્ગસ્થ સતીશ કૌશિક વિશે વાત કરતા હતા. તેમણે સતીશ કૌશિક સાથેની તેમની મિત્રતાના ઘણા કિસ્સાઓ શેર કર્યા છે. સતીશ કૌશિકનું 9 માર્ચ 2023 ના રોજ 66 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું.


