ભરૂચના તપોવન સંકુલ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ગૌરવપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દિનેશભાઈ પંડ્યાએ સૌને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે. તેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અનેક શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે આ શહીદોના બલિદાન થકી જ આજે આપણે આ રાષ્ટ્રની ઇમારતનું નિર્માણ કરી શક્યા છીએ.
દિનેશભાઈ પંડ્યાએ દેશની અદ્ભુત પ્રગતિની વાત કરતા કહ્યું હતું કે, “એક સમય હતો જ્યારે આપણા દેશમાં એક નાની ટાંકણી પણ બનતી ન હતી, અને આજે આપણે બ્રહ્મોસ જેવા શક્તિશાળી હથિયારોનું નિર્માણ કરી શક્યા છીએ.” તેમણે આ પ્રગતિમાં સહભાગી બનવા અને રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રભાવના કેળવવા સૌને હાકલ કરી હતી. તેમણે આદર્શ નાગરિક બની રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તેમણે તાજેતરમાં પહેલગામમાં બનેલી દુર્ઘટના અને સિંદૂર ઓપરેશનમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના બલિદાન થકી જ આપણે સુખ-શાંતિથી રહી શકીએ છીએ.
આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


