ભાવનગરના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજના ચુંગલમાં એક પરિવાર ફસાયો હતો અને ત્યારબાદ પોલીસે તેમને ન્યાય અપાવ્યો હતો, ફરિયાદીના જણાવ્યા અનુસાર વ્યાજખોરને સમય પ્રમાણે વ્યાજ ચૂકવાતું હતુ અને વ્યાજ પણ પૂર્ણ ચૂકવાઈ ગયુ હતુ ત્યારબાદ પણ વ્યાજખોર વધારે રૂપિયા વસૂલ કરતો હતો અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા જેના કારણે પોલીસે ગુનો નોંધ્યો અને વ્યાજખોરને જેલના સળીયા ગણતો કરી દીધો હતો.
સોનાના દાગીના વ્યાજખોરે પડાવી લીધા
ગુજરાતમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે તેમજ લોકો વ્યાજના ચુંગલમાં ફસાતા હોય છે અને પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે, ત્યારે આવી જ ઘટના પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે રહેતા મગનભાઈ ભીમજીભાઇ વાઘેલા સાથે બની છે તેઓએ ગામમાં રહેતા જેમભા કાળુભા વાળા પાસેથી અંદાજિત વર્ષ 2020માં દોઢ લાખ રૂપિયા લીધા હતા જે રકમનું વ્યાજ રેગ્યુલર ચૂકવ્યા બાદ અમુક સમયે રકમની વ્યવસ્થા ન થતા પત્ની અને બાળકીના સોનાના દાગીના ગીરવે મૂકવામાં આવ્યા હતા.
કોર્ટમાંથી દાગીના છોડાવી કોર્ટે પરત આપ્યા
વ્યાજ ચૂકવ્યા બાદ વ્યાજખોર દાગીના પરત કરતો ન હતો અને પરિવારને વ્યાજખોર દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેના પગલે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિવારે પોલીસને સમગ્ર હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીને ઝડપી કાર્યવાહી હાથધરી હતી અને છેલ્લા ઘણા વર્ષથી વ્યાજખોર પાસે રહેલ દાગીના પોલીસે કબજે કરી કોર્ટમાં રજૂ કરી છોડાવ્યા હતા અને પરિવારને પોતાના દાગીના અપાવી ન્યાય અપાવ્યો હતો ત્યારે પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત પરિવારને તેમના દાગીના પરત કર્યા હતા ત્યારે પરિવારે પણ પોલીસની કામગીરીની આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરીમાં પાલીતાણા રૂરલ પોલીસ મથકના પી.આઈ રવિ રબારી તેમજ તેમનો સ્ટાફ અને પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


