ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં પૃથ્વી પરના પાપ અને અધર્મનો નાશ કરવા માટે અવતાર લીધો. ભગવાન વિષ્ણુનો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે, જેનો જન્મ મથુરાની રાજકુમારી દેવકી અને વાસુદેવના આઠમા સંતાન તરીકે થયો હતો.
બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.
હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.
દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મૂર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.
શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી મીરાની જેમ.
એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.






