WORLD : ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળી યુક્રેન યુદ્ધ અંગે નિર્ણય લેશે

0
77
meetarticle
 ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદ સંભાળતા પહેલાં શેખી મારી હતી કે તેઓ પ્રમુખ બન્યાના ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દેશે, પરંતુ આઠ મહિના પછી પણ આ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. આ યુદ્ધ રોકવા માટે ટ્રમ્પે અલાસ્કામાં રશિયન પ્રમુખ સાથે ૧૫ ઑગસ્ટે યોજેલી બેઠકનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. હવે ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે બેઠક કરશે. ત્યાર પછી સંભવતઃ ૨૨ ઑગસ્ટે પુતિન અને ઝેલેન્સ્કી સાથે ત્રીપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે.

યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કી સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વોશિંગ્ટન ડીસીની ઓવલ ઓફિસમાં મળશે. આ સમયે યુરોપ અને નાટોના નેતાઓએ રવિવારે જાહેરાત કરી છે કે તેઓ પણ ઝેલેન્સ્કી સાથે વોશિંગ્ટનમાં પ્રમુખ ટ્રમ્પ સાથે બેઠકમાં જોડાશે. તેઓ યુક્રેનમાં રશિયાના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન સુરક્ષા ગેરેન્ટીની સંભાવનાઓ પર ચર્ચા કરશે.

યુરોપના નેતાઓમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર આ બેઠકમાં હાજરી આપશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીની અગાઉની બેઠકમાં થયેલી ઉગ્ર ચર્ચા અને યુક્રેનના પ્રમુખને અપમાનિત થઈને ઓવલ ઓફિસમાં રવાના કરાયા હોવાથી આ વખતે યુરોપના નેતાઓ આ ઘટનાનું પુનરાવર્તન થાય તેમ ઈચ્છતા નથી. તેમણે જાહેરાત કરી છે કે તેઓ ઝેલેન્સ્કી તરફથી ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે ચર્ચામાં જોડાશે.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, રશિયા મુદ્દે મહત્વની પ્રગતિ થઈ છે. અમારી સાથે જોડાયેલા રહેજો. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રકારની પોસ્ટ કરીને સસ્પેન્સ વધારી દીધું છે. જોકે, આ પોસ્ટમાં તેમણે વિગતવાર કશું જ કહ્યું નથી. બીજીબાજુ રશિયા માટેના અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે રવિવારે કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિન અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠકમાં સાડા ત્રણ વર્ષના યુદ્ધનો અંત લાવવાના ભાગરૂપે યુક્રેનને નાટોની નહીં પરંતુ નાટો જેવી સુરક્ષા ખાતરી આપવા માટે સંમત થયા છે. વીટકોફે કહ્યું કે, અમેરિકા યુક્રેનને આર્ટિકલ-૫ જેવી સુરક્ષા ખાતરી ઓફર કરી શકે છે, જે યુક્રેનના નાટોમાં જોડાવા માટેના વાસ્તવિક કારણોમાંની એક સુરક્ષા ખાતરી છે. પુતિન આ બાબતે સંમત થયા હોવાનું અમે સૌપ્રથમ વખત સાંભળી રહ્યા છીએ.

આ પહેલાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને રશિય પ્રમુખ પુતિન વચ્ચે અલાસ્કામાં ૧૫ ઑગસ્ટે લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ તેમાં કોઈ સમજૂતી થઈ શકી નહોતી. પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને સોમવારે ઓવલ ઓફિસમાં બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.ઓવલ ઓફિસમાં ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક સફળ રહેશે તો ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રીપક્ષીય બેઠક ૨૨ ઓગસ્ટે યોજવામાં આવે તેવી શક્યતા છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ મુજબ પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે યુરોપના નેતાઓ સાથે ફોન પર શાંતિ સમજૂતી માટે એક દરખાસ્ત કરી છે, જે મુજબ યુક્રેન ડોનબાસ પ્રાંત રશિયાને સોંપી દે તો યુક્રેનના બાકીના વિસ્તારોમાં યુદ્ધવિરામ થઈ શકે અને યુક્રેન તથા યુરોપ બંને માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here