અમેરિકામાં પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં અંદાજે ૨૨ લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, એમ નવા સરકારી આંકડામાં જણાવાયું છે. આ આંકડા સંકેત આપી રહ્યા છે કે પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન સામે દર્શાવવામાં આવેલા આકરા વલણના પરિણામો મળી રહ્યા છે. હાલના આંકડા મુજબ કમસેકમ ૨૨ લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.
વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના રિસર્ચ ડિરેક્ટર સ્ટીવન કેમેરોટાએ જણાવ્યું હતું કે વર્તમાન વસ્તીના સરવેમાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં ૨૨ લાખનો નોંધપાત્ર ઘટાડો છેલ્લા ત્રણ દાયકાનો સૌથી મોટો અને નોંધપાત્ર ઘટાડો છે. આના પગલે આગામી દિવસોમાં ગેરકાયદે વસાહતીઓ સામેનું કેમ્પેઇન વધુ તીવ્ર બને તો આશ્ચર્ય નહીં થાય.
અમેરિકામાં કંઇક મૂળભૂત અને નાટકીય રીતે બદલાયું છે અથવા તો રિસ્પોન્સ રેટ નાટકીય રીતે બદલાયો છે, એમ તેમણે જણાવ્યું હતું. ડેમોગ્રાફર સૂચવે છે કે આ બંને હોઈ શકે છે. પરંતુ તેની સાથે તેમણે ચેતવણી આપી હતી કે આ આંકડાની પણ પોતાની મર્યાદાઓ છે.
યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના વર્તમાન વસ્તી સરવેના આંકડાનું વિશ્લેષણ સૂચવે છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન વિદેશમાં જન્મેલા લોકો હવે દેશ છોડી ચૂક્યા છે. સીઆઈએસના કેમેરોટા અને કરેન ઝેઇગલરે લખ્યું હતું કે તેમના અંદાજ મુજબ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ૧૬ લાખ જેટલો ઘટાડો નોંધાયો હતો.
આ દર્શાવેે છે કે ઇમિગ્રેશન સત્તાવાળાઓના આકરા પગલાંના કારણે ગેરકાયદે વસાહતીઓના પ્રમાણમાં ઘટાડો થયો છે. ગેરકાયદે વસાહતીઓ અંગે અમારો પ્રારંભિક અંદાજ ૧૬ લાખનો હતો, જે હવે ૨૨ લાખ જેટલો થાય છે, એમ તેમણે સમજાવ્યું હતું. ગેરકાયદે વસાહતીઓની સંખ્યામાં ૧૦ ટકા ઘટાડો થવાથી તેમની વસ્તી ઘટીને ૧.૪૨ કરોડ થશે.


