ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાં એલસીબીની ટીમે નકલી વિદેશી દારૂની મીની ફેક્ટરી પકડી પાડી છે. એલસીબીને મળેલ બાતમીના આધારે કાંતીભાઈ રવજીભાઈ બાબરીયા ની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ટીમને નકલી દારૂ બોટલમાં ભરવાની પ્રક્રિયા ચાલુ મળી આવી હતી. આરોપીઓ કેમિકલ પ્રવાહીમાં ભેળસેળ કરી, ડુપ્લીકેટ સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂની બોટલો તૈયાર કરી રહ્યા હતા.
રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા તથા પીએસઆઈ એ સી ગોહિલ તથા આર વી ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, તથા પો.કોન્સ મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલ બાતમીના આધારે તોરણીયા ગામની સીમમાં દરોડો કર્યો હતો.
રૂરલ એલસીબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાં કાંતિભાઈ રવજીભાઈ બાબરીયા (રહે-મોટી પરબડી તા.ધોરાજી) વાળાની માલિકીની વાડી ખેતરની ઓરડીમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બોટલમાં ભરી ધૂમ વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેડ કરતાં કાંતિ રવજી બાબરીયા બેરલ માંથી જીબી કાચની બોટલમાં કલરવાળું પ્રવાહી ભરતો હતો.
જ્યારે ચેતનભાઈ રાજુભાઈ દેલવાડીયા (રહે-તોરણીયા તા.ધોરાજી) બોટલો ઉપર ઢાંકણા બંધ કરી તેના ઉપર સ્ટીકર લગાવી સાઈડમાં મુકતો હતો. આ બંને શખ્સોને એલસીબી પોલીસે દબોચી લઈ પુછપરછ કરતા (જુનાગઢ જોષીપરા માં) રહેતો સતીષભાઈ કયાડા આ ભેળસેળ પ્રવાહી જુનાગઢથી અહીં આપી જતો હતો હોવાની કબુલાત આપી હતી.
પોલીસે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર, દારૂ ભરેલ પાંચ બોટલ, તથા ખાલી ૧૪ બોટલ તથા પ્રવાહી ભરેલ બેરલ નંગ ૪ અને મોબાઈલ ફોન બે મળી કુલ રૂપિયા ૩.૪૦.૩૩૫ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસ આ નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


