વડોદરા શહેરની મધ્યમાં આવેલા આકર્ષણરૂપ સુરસાગર તળાવમાં જળચર માછલીઓ, કાચબા માટે જીવ પ્રેમીઓ જાતજાતનો ખોરાક વધુ પડતો ખવડાવીને જીવ દયાના બદલે જીવ લેનારા બને છે. આ ઉપરાંત તળાવમાં પ્લાસ્ટિકની બેગ તથા ફળ ફૂલનો કચરો પણ નાખીને શહેરની સુંદરતાને બદનામ કરી રહ્યા હોવાનું મુંબઈની જીવદયા એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આકર્ષણરૂપ સુરસાગર તળાવ બની ગયું છે. આ તળાવમાં જળચર સફેદ માછલીઓ સહિત કાચબાઓનું અનેરુ આકર્ષણ છે. તળાવ કિનારે અવારનવાર આવતા જીવ દયા પ્રેમીઓ દ્વારા મમરા, પાપડીનો લોટ ખૂબ મોટા પ્રમાણમાં નાખતા હોવાના આક્ષેપ જીવદયા એક્ટિવિસ્ટે કર્યા છે. આ ઉપરાંત તળાવમાં વધુ પડતો નંખાતો ખોરાક જળચર પ્રાણીઓ ખાઈને ઓક્સિજનના અભાવે પાણીની સપાટી પર આવી જઈને તરફડિયા મારી મોતના હવાલે થતા હોવાનું શીતલ ભાલેરાવે જણાવ્યું છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો સુરસાગરના પાણીમાં વધુ પડતી રોટલીઓ પણ નાખે છે. જ્યારે બીજી બાજુ મળેલી માછલીઓ તળાવ કિનારે પાણી પર કરતી હોય છે. જેથી બિલાડી, કુતરા સહિતના પ્રાણીઓ પણ મરેલી માછલીઓ આબાદ રીતે પકડીને જતા રહે છે. જ્યારે કેટલાક લોકો તળાવમાં ફળ, ફૂલ તથા હાર પણ ગંદકી કરે છે. આવા લોકો શહેરની સુંદરતાને યેનકેન બગાડી રહ્યા છે.
તંત્ર દ્વારા પણ અવારનવાર સુરસાગરની સફાઈ કરતા હોય છે. જ્યારે તળાવ કિનારે કચરા પેટી પણ પાલિકા દ્વારા મૂકવામાં આવી છે તેનો સદુપયોગ કરવા તેમણે સલાહ આપી હતી. જ્યારે તળાવમાં કોઈ વધુ પડતો ખોરાક ન નાખે એવા ઇરાદે સિક્યુરિટી ગાર્ડ રાખવાની પણ તંત્રને સલાહ પણ તેમણે અંતમાં આપી હતી.


