બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ રચાયા છે.શહેરમાં જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે તંત્ર ના આ નિર્ણના વિરોધમાં પાલનપુર બાર એસો. દ્વારા સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલો દ્વારા આંદોલનના એંધાણ રચાયા છે..
પાલનપુરમાં વર્ષો જુના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે. જોકે આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ આવેલું છે. પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોવાથી જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને શહેરની મધ્યમાંથી ખસેડી હવે તેને પાલનપુર તાલુકાના જગાણા ગામે 5 કિલો મીટર દૂર ખસેડવાની તજવીજો ચાલી રહી છે. જોકે તંત્રના આ નિર્ણયને કારણે ન્યાય સંકુલ માં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઉભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરી સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાઈ છે પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજે પાલનપુર બાર એસોસિએશન એકત્ર થયું અને આગામી દિવસોમાં બાર એસોસિએશન હવે શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએસિનો સાથે મળી ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચારી છે. જેને લઇ ન્યાય માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે..
દિપક પુરબીયા, બનાસકાંઠા


