નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી બિરદાવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની શ્રેષ્ઠતા, ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરીએ રાજ્યભરમાં ડંકો વગાડ્યો : નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પોલીસની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી વિકાસ સહાયના વરદ હસ્તે ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું તેમના બહાદુરીપૂર્ણ અને કર્તવ્યનિષ્ઠ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું. આ સન્માનિતોમાં ભરૂચ SOG ના પોલીસ ઇન્સપેક્ટર એ.એ. ચૌધરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી, દહેજના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી. ઝાલા, વાલિયા પોલીસ સ્ટેશનના ASI નિશાંતકુમાર જયસુખભાઈ પોશિયા, ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ, અને વાલિયા પોલીસના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાયસિંગભાઈ ગોવાભાઈનો સમાવેશ થાય છે. DGP વિકાસ સહાયે તમામ અધિકારીઓની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી તેમને વધુ ઉત્સાહ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી હતી.
ગુનેગારોને કાયદાના કઠેરામાં લાવવામાં ભોપાભાઈ ગફુરભાઈનું અસાધારણ યોગદાન : સન્માનિત કર્મચારીઓ પૈકી ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈની કામગીરી પોલીસ દળ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. છેલ્લા એક વર્ષમાં, તેમણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર જેવા જુદા જુદા રાજ્યોમાંથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર કુલ ૨૧ લિસ્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદાના કઠેરામાં લાવવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. આ ઉપરાંત, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન, તેમણે ૧૦ વર્ષથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા-ફરતા આરોપીઓને પણ અંગત બાતમીદારોની મદદથી શોધી કાઢ્યા અને તેમને જેલ હવાલે કર્યા. તેમની આ વિરલ કામગીરી બદલ, અગાઉ પણ ભરૂચ જિલ્લાના ૯ પોલીસકર્મીઓનું વડોદરા રેન્જ IGP દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભોપાભાઈ ગફુરભાઈ ભરવાડનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ભોપાભાઈની આ સિદ્ધિ બદલ, ભરૂચ પોલીસ પરિવાર સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે અને તેમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. પોલીસ દળના આ સન્માનથી એ સ્પષ્ટ થાય છે કે નિષ્ઠા અને સમર્પણથી કરવામાં આવેલી ફરજનું હંમેશા સન્માન થાય છે. આ પ્રેરણાદાયક કિસ્સો અન્ય પોલીસકર્મીઓને પણ સમાજની સુરક્ષા માટે વધુ સમર્પિત થવા પ્રોત્સાહન પૂરું પાડશે.
ભરૂચ પોલીસની સંકલ્પબદ્ધતા, ગુનેગારો માટે ભય અને નાગરિકો માટે સલામતી : ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગારો ભલે ગમે તેટલા સમયથી ફરાર હોય, કાયદાની પહોંચથી દૂર રહી શકતા નથી. આ સન્માનિત અધિકારીઓ અને કર્મચારીઓએ માત્ર પોતાના કર્તવ્યનું પાલન નથી કર્યું, પરંતુ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની સંકલ્પબદ્ધતાને પણ ઉજાગર કરી છે. તેમની આ કામગીરી ગુનેગારોમાં ભય અને સામાન્ય નાગરિકોમાં સલામતીનો ભાવ મજબૂત બનાવે છે. ભરૂચ પોલીસનું આ યોગદાન જિલ્લાની શાંતિ અને પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા



