BCCI એ મંગળવારે આગામી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થનારા એશિયા કપ માટે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ભારતની 15 સભ્યોની T20 ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની લાંબા સમય પછી નાના ફોર્મેટની ટીમમાં વાપસી થઈ છે. સારું પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ ન કરવા પર સવાલ ઉઠી રહ્યા છે. આ વચ્ચે હવે મોહમ્મદ કૈફે થોડા મહિના પહેલા સુધી T20 ટીમના વાઈસ-કેપ્ટન રહેલા અક્ષર પટેલને હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.
અક્ષર પટેલ આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન હતો. કૈફે કહ્યું કે, આશા છે કે અક્ષરને વાઈસ-કેપ્ટન પદ પરથી હટાવવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે લખ્યું કે, ‘મને આશા છે કે અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન પદ પરથી હટાવવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી અને તેમને પ્રેસ કોન્ફરન્સમાંથી આ ખબર ન પડી હોય. અક્ષરે કોઈ ભૂલ નથી કરી અને તેથી તે જાણવાનો હકદાર છે.’
અક્ષર પટેલ પોતાના દમદાર પ્રદર્શનથી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે. તેણે 2024 T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
તે ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે 31 બોલમાં 47 રનની ધમાકેદાર ઈનિંગ રમ્યો હતો. તેણે ટ્રિસ્ટસ સ્ટબ્સને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પટેલને તેના શાનદાર પ્રદર્શન માટે વાઈસ-કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ પછી તેને હટાવી દેવામાં આવ્યો. ગિલને રમતના સૌથી નાના ફોર્મેટમાં વાઈસ-કેપ્ટન બનાવવા પાછળનું એક કારણ એ છે કે ભારતીય ક્રિકેટ નજીકના ભવિષ્યમાં દરેક ફોર્મેટ માટે એક જ કેપ્ટન રાખવાની પોતાની નીતિ પર જ વિશ્વાસ કરવા જઈ રહ્યું છે.

