ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળા છલકાઈ જતાં સાપ અને અન્ય સરીસૃપો માનવ વસાહત તરફ આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં, શુકલતીર્થ સામેના કરજણ ગામના એક ખેતરમાંથી 8 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
કરજણ ગામમાં આવેલા સાધના મંદિર ફાર્મના માલિક રમેશ માલીવાડના ખેતરમાં આ વિશાળ અજગર જોવા મળ્યો હતો. અજગરને જોતાં જ રમેશ માલીવાડે તરત જ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કર્યો હતો. સર્પ મિત્રો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.બંને સર્પ મિત્રોએ અત્યંત સાવચેતીપૂર્વક અજગરને પકડ્યો અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો. વન વિભાગના અધિકારીઓની સલાહ અને માર્ગદર્શન હેઠળ, આ અજગરને માનવ વસવાટથી દૂર સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનથી અજગરનો જીવ બચી ગયો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


