લખતર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ખાતે છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ વધઘટ થતાં લાખો રૃપિયાના ઇલેકટ્રીક સાધનો ટીવી, ફ્રીજ, બલ્બ, ટયુબ લાઇટ સહિતના સાધનો બળીને ખાખ થઇ ગયા છે. એક બાજુ સારો વરસાદ થયો છે, તેની ખુશી છે અને બીજી બાજુ વીજ તંત્રના વાંકે ઘરના વીજ ઉપકરણો બળી રહ્યા છે.
લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા ઘણા દિવસોથી વીજ વોલ્ટ વધઘટનો પ્રશ્ર માથાના દુઃખાવા સમાન બની ગયો છે. વારંવાર વીજ વોલ્ટમાં વધઘટ થતી હોવાથી ઇલેકટ્રીક સામાન બળી જતા હોય છે. ખાસ કરીને ઘરમાં ટીવી, પાણીની મોટર, ફ્રીજ, પંખા, ઇલેક્ટ્રિક બોર્ડ સહિતની ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે. ગ્રામજનોને વીજ ઉપકરણો ચાલુ કરવામાં પણ ડર લાગે છે કે, કયારે વીજપ્રવાહ વધે તેનું નક્કી નહીં. જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત વીજ તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા વીજ ફોલ્ટ શોધીને સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે વીજ ગ્રાહકોને વારંવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ લખતર તાલુકાના વીજ ગ્રાહકોને વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂરતો આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


