PORBANDAR : રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા યોજાશે

0
48
meetarticle

આગામી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા આ પ્રતિયોગિતા અંગેની વિગત આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવને વધુ સર્જનાત્મક, સંસ્કારી તથા પ્રેરણાદાયક બનાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરો સિવાય રાજ્યના અન્ય ૨૯ જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે સ્પર્ધા યોજાશે. જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિયોગિતા પ્રથમ ક્રમે આવનાર પંડાલને રૂપિયા ૫,૦૦,૦૦૦, દ્વિતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા ૩,૦૦,૦૦૦, તૃતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા રૂપિયા ૧,૦૦,૦૦૦નાં પાંચ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે.

આ સ્પર્ધા માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં મંડપની શોભા તથા શણગાર, સામાજિક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી તત્વોનો ઉપયોગ, પંડાલ માટે યોગ્ય સ્થળની પસંદગી, રાષ્ટ્રભક્તિ આધારિત થીમ તથા સ્વદેશી સામગ્રીના ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ આ સ્પર્ધાના મૂલ્યાંકન માટે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિની રચના પણ કરવામાં આવી છે.

આ પ્રતિયોગિતા દ્વારા તહેવારની ઉજવણી વધુ ભવ્ય બનવા ઉપરાંત સામાજિક સંદેશ તથા પર્યાવરણપ્રેમી અભિગમને પ્રોત્સાહન મળશે તેવી કલેક્ટરશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

પોરબંદરમાં થનાર ગણેશોત્સવ અંગે વાત કરતા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી માટે પોરબંદર પોલીસ કટિબંધ છે તે અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક ન ડહોળાય, અન્ય લોકોને પરેશાની ન થાય તેમજ કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવા માટે તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં હાલ સુધી નોંધાયેલ આંકડા પ્રમાણે ૮૮ ગણેશ પંડાલ ઊભા કરાશે તેમાં ૬૪નું વિસર્જન ૩૧ ઓગસ્ટના તેમજ ૨૪નું વિસર્જન ૨ સપ્ટેમ્બરના કરવામાં આવશે. વિસર્જન દરમ્યાન પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે જેથી કોઈ આકસ્મિક ઘટના ન બને અને લોકો ઉત્સવની હર્ષભેર ઉજવણી કરી શકે.

પોરબંદરમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પોરબંદર મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે મનપા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ પ્રતિયોગિતા પણ શ્રેષ્ઠ ૩ પંડાલ તેમજ ૫ પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે જે અંગે વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here