એશિયા કપ 2025 આ વખતે T20 ફોર્મેટમાં યોજાવાનો છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત 19મી ઓગસ્ટે કરવામાં આવી હતી. પરંતુ ભારતીય ટીમમાં ઘણાં મોટા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ હર્ષિત રાણાને તક મળી. જોકે તેને લઈને ક્રિકેટ નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા છે.
હર્ષિત રાણાની પસંદગી પર પૂર્વ ક્રિકેટર શ્રીકાંત અને આકાશ ચોપરાનું નિવેદન
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, ‘હર્ષિત રાણા ટીમમાં કેવી રીતે આવ્યો, IPLમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. ઈકોનોમી રેટ પણ 10થી ઉપર હતો. તમે પ્રસિધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને શું સંદેશ આપી રહ્યા છો?’
હર્ષિત રાણા અંગે પૂર્વ ભારતીય બેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે, ‘હર્ષિત રાણાનો કેસ રસપ્રદ છે. આ વિશે વાત કરવી જોઈએ કારણ કે એક વખત તે શિવમ દુબેના કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે આવ્યો હતો, જે તેનું T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હતું, તેણે ત્રણ વિકેટ લીધી હતી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ બન્યો હતો. છેલ્લી IPL (IPL 2025) તેના માટે એકદમ સામાન્ય હતી. તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. એવું લાગતું નથી કે તેના આંકડા એટલા મજબૂત છે કે તેને ટીમમાં સ્થાન મળે.’
IPL 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા હર્ષિત રાણાએ 13 મેચોમાં 15 વિકેટ લીધી. તેની સરેરાશ 29.86 હતી અને ઇકોનોમી રેટ 10.18 હતો. હર્ષિતે આ વર્ષની શરૂઆતમાં શિવમ દુબેના સ્થાને કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે પુણેમાં ઇંગ્લેન્ડ સામે 33 રન આપીને 3 વિકેટ લીધી અને ભારતને જીત અપાવી.
હર્ષિત રાણાને શા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો?
હવે સવાલ એ છે કે શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓને યુએઈમાં યોજાનારા એશિયા કપમાં સ્થાન મળ્યું ન હતું. અજિત અગરકરે તેમને ટીમમાં સામેલ ન કરવા માટે ઘણાં કારણો આપ્યા. આવી સ્થિતિમાં હર્ષિત રાણાને શા માટે સામેલ કરવામાં આવ્યો? સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ એવો પણ સવાલ ઊઠાવ્યા હતા કે, ગૌતમ ગંભીરના કારણે આવું થયું છે. કારણ કે જ્યારે ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો માર્ગદર્શક હતો, અને ટીમ 2024માં IPL ચેમ્પિયન બની હતી, ત્યારે તેણે 13 મેચમાં 19 વિકેટ લીધી હતી.
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો શુભમન ગિલ વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.


