ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક એક ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે માંડવા રોડ પર એક ઇનોવા કાર (નંબર MH-12-FY-2079) માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે, LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડી કારની તલાશી લીધી હતી.
તપાસ દરમિયાન, કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૨૨૫ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. ૭૨,૬૦૦/- છે. આ ઉપરાંત, પોલીસે રૂ. ૩,૦૦,૦૦૦/- ની કિંમતની ઇનોવા કાર અને રૂ. ૩,૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. ૩,૭૫,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી કારના ડ્રાઈવર રિંકુ રામુભાઈ વસાવા (ઉ.વ. ૩૧, રહે. વાલિયા) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ દારૂનો જથ્થો ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તેનો માણસ ઠાકોર ઉર્ફે ભીમ સાથે દારૂ ખાલી કરવા આવ્યો હતો.
આ ઘટના બાદ, પોલીસે દારૂ ભરાવી આપનાર અલ્પેશ અને તેના સાથીદાર ઠાકોર ઉર્ફે ભીમ (બંને રહે. નાના સાંજા, ઝઘડિયા) ને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.


