પર્યુષણ પર્વના પાવન અવસર પર અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલા જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે સાધુ ભગવંતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જૈન ધર્મના ૨૪મા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ અને તેમના માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નોનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. આ સ્વપ્નો મહાવીર સ્વામી ગર્ભમાં હતા ત્યારે આવ્યા હતા, જેનું વાંચન કરી શ્રદ્ધાળુઓને ધર્મનો મહિમા સમજાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેણે સૌના હૃદયને સ્પર્શી લીધું હતું. આ સાથે જ ભગવાનશ્રી મહાવીરના પારણાને ઝુલાવવાનો એક અનોખો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.
આ પાવન અવસરે સંઘના પ્રમુખ દિલીપ ચોક્સી, જનક શાહ, કમલેશ શાહ અને અતુલ શાહ સહિત અનેક આગેવાનો અને સમગ્ર જૈન સમાજના લોકો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. આ ઉત્સવે અંકલેશ્વરના જૈન સમાજમાં ધર્મ અને શ્રદ્ધાનો માહોલ જીવંત રાખ્યો હતો.


