ભરૂચની સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ ઝુંબેશ હેઠળ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે, SOGની ટીમે ઓમકાર-૨ સામે, ન્યુ સિટી કોમ્પ્યુટર પાછળ, બાબરનાથની ચાલમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર મેથાએમ્ફેટામાઇન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ આરોપીઓ આર્થિક લાભ માટે આ પ્રતિબંધિત માદક પદાર્થ વેચવાનો ઇરાદો ધરાવતા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૧૨,૦૪,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૭ ગ્રામ અને ૯૪ મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ (અંદાજે ₹૭૯,૪૦૦/-), ૪ મોબાઇલ ફોન (₹૧,૨૫,૦૦૦/-), એક ડિજિટલ વજનકાંટો (₹૫૦૦/-) અને એક Volkswagen Virtus કાર (નંબર GJ-16-DG-6668) જેની કિંમત ₹૧૦,૦૦,૦૦૦/- છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી છે.પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓના નામ
* શુભમ સંજય પરિહાર (ઉ.વ.૨૬, રહે. નીલકંઠ સોસાયટી, ONGC વર્કશોપ પાસે, અંકલેશ્વર)
* જગદીશ શેલાભાઈ ભરવાડ (ઉ.વ.૨૮, રહે. રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર)
* વસીમરાજા મો. હનીફ શેખ (ઉ.વ.૪૧, રહે. મન્નત સોસાયટી, આંબોલી રોડ, અંકલેશ્વર)
આ કેસમાં સાહિલ નામનો એક વોન્ટેડ આરોપી પણ છે, જે કામરેજ, સુરતનો રહેવાસી છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.


