અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ઉંચાઇવાળા વિસ્તારો પરથી પથ્થરો, વૃક્ષો અને ખડકો નીચે પડતા ૧૦ લોકોનાં મોત થયા છે. જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલ ૬ તીર્થયાત્રીઓ પણ સામેલ છે.
સતત વરસાદને કારણે જમ્મુની સાથે કાશ્મીર ખીણમાં પણ નુકસાન થયું છે. અચાનક પૂર, ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પુલ તૂટી પડવા, મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ નીચે પડી જતાં ઇન્ફ્રાસ્ટ્રકચરને ભારે નુકસાન થયું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો.મંગળવારે નદીઓ છલકાઇ જવા અને પાણીના શક્તિશાળી પ્રવાહના માર્ગમાં આવેલી તમામ વસ્તુઓ તણાઇ જવાની ઘટનાઓ જોવા મળી હતી.
તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂસ્ખલન અને પૂરને કારણે પર્વતીય માર્ગોને નુકસાન થતાં બ્લોક કરી દેવામાં આવ્યા છે. જમ્મુથી આવતી અને જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્રિકુટા પર્વત પર આવેલા માતા વૈષ્ણો દેવી મંદિર સુધી જતા માર્ગ પર બપોરે ૩ વાગ્યે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે. ૧૪ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની શક્યતા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની શંકા છે. જમ્મુ પ્રાંતના ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય ચાર લોકોનાં મોત થયા હતાં.
મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે રાજ્યની સ્થિતિને ગંભીર ગણાવી છે. તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ભયજનક સ્તરથી ઉપર વહી રહી હોવાથી પોલીસ અને સિવિલ સત્તાવાળાઓએ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં જમ્મુ-કાશ્મીરના તમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોની સેવા ઠપ થઇ જતાં લોકોને ફોન કરવામાં અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બિલ્ડિંગો ધરાશયી થઇ હતી અને હાઇવે બંધ કરી દેવામાં આવ્યા હતાં. રાજ્યમાં ૬૯૦ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.


