સમગ્ર દેશ સાથે છેલ્લા ઘણા વર્ષોથી ઝાલાવાડમાં પણ ગણેશ મહોત્સવની ઘામઘૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજથી શરૃ થતાં ગણેશ મહોત્સવને લઈ ભક્તો સહિત ઝાલાવાડવાસીઓ ઉત્સુક બન્યા છે. આ ઉપરાંત રહેણાંક મકાન તેમજ શેરી, મહોલ્લાઓમાં પણ ગણપતિની મૂર્તીની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને ગઈકાલે પૂર્વ દિવસે ગણપતિ દાદાની મૂર્તિની ખરીદીમાં ભીડ ઉમટી પડી હતી.
ઝાલાવાડમાં છેલ્લા ઘણા વર્ષોથી ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાને લઈ હાલ તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારો જેમ કે શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં, સિધ્ધિ વિનાયક ગૃપ દ્વારા શહેરના વૈભવલક્ષમી ફલેટ, કુંથુંનાથ દેરાસર રોડ પર મહાકાલ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શેરી, મહોલ્લાઓ સહિત અંદાજે ૪૦થી વધુ જગ્યાઓ પર જાહેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં યોજાતા જાહેર ગણપતિ મહોત્સવમાં દરરોજ પ્રસાદ, મહાઆરતી સહિત રાસગરબા, સત્યનારાયણ ભગવાનની કથા, આનંદના ગરબા, ડાયરો, મ્યુઝીકલ નાઈટ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જ્યારે બીજી બાજુ શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રોડ પર નાની સાઈઝથી લઈ મોટી સાઈઝની ગણપતિ દાદાની મૂર્તિઓ ખરીદીમાં અંત ઘડી સુધી ભારે ભીડ જોવા મળી હતી. ઘરે તેમજ શેરી મહોલ્લાઓમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરતાં લોકો મોટીસંખ્યામાં અહિંથી ગણપતિની મૂર્તિની ખરીદી કરી હતી. લોકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગણપતિદાદાની મૂર્તિમાં ૨૦ થી ૨૪ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતાંય વિધ્નહર્તા ગણપતિદાદાની ભક્તો વાજતે ગાજતે આજથી સ્થાપના કરવા આતુર બન્યા છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી ઝાલાવાડમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે જ્યારે અલગ-અલગ મહોત્સવના આયોજકો તેમજ સેવાભાવી લોકો દ્વારા ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


