થરાદ શહેરના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ભક્તો દ્વારા વાજતે-ગાજતે, ઘરમાંથી ગણપતિ બાપાની મૂર્તિની શોભાયાત્રા કાઢી, “ગણપતિ બાપા મોરિયા” ના ગજગજતા નાદ વચ્ચે ઘીમાં લાડુ-ચોરીયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતે લાવી બિરાજમાન કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મંદિર છેલ્લા 50 વર્ષથી થરાદમાં એક માત્ર ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં નિત્ય બે વખત આરતી થાય છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
આજે પણ સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી, જેમાં ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓની ઝળહળાટ સાથે પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો.
ગણપતિ સેવા મંડળ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાપ્રસાદના કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન સમિતિએ જણાવ્યું હતું.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


