અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી સ્થિતિ વધુ કથળી ગઇ છે. ભુસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક ૪૧એ પહોંચી ગયો છે. મોટાભાગના મૃતકો વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે કે જેઓ પર ભુસ્ખલનની આફત આવી પડી હતી. જમ્મુમાં વરસાદે બાવન વર્ષનો રેકોર્ડ તોડયો હતો જેને પગલે પ્રાંતની તમામ નદીઓ ભયજનક સપાટીએ પહોંચી હતી. જ્યારે જમ્મુ સાથે જોડાયેલી અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી વરસાદે ભારે તારાજી સર્જી છે, વાદળ ફાટયા બાદ વૈષ્ણોદેવી માર્ગ પર ભુસ્ખલન થયું હતું જેને કારણે વાહનો સાથે અનેક લોકો દટાયા છે. જ્યારે મૃત્યુઆંક ૪૧એ પહોંચી ગયો છે. અનેક લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ દ્વારા તો રેસ્ક્યૂ ઓપરેશન ચાલી જ રહ્યું હતું હવે મોટા પ્રમાણમાં સૈન્યના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરોની મદદથી લોકોને રેસ્ક્યૂ કરાઇ રહ્યા છે.
હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો પંજાબના પઠાણકોટથી સામે આવ્યો છે, જેમાં સૈન્યનું હેલિકોપ્ટર ૨૫ જવાનોને રેસ્ક્યૂ કરીને ઉડાન ભરે છે તેના થોડા જ સમય બાદ મકાન ધ્વસ્ત થઇને પાણી વહી જાય છે. સૈન્યના આ દિલધડક ઓપરેશનના લોકો ભારે વખાણ કરી રહ્યા છે. ભારતીય સૈન્ય દ્વારા આ ઓપરેશનનો વીડિયો એક્સ (ટ્વિટર) પર જાહેર કરવામાં આવ્યો હતો. જમ્મુમાં વરસાદે તમામ રેકોર્ડ તોડયા હતા અને ૩૮૦ મીમી વરસાદ ખાબક્યો હતો જ્યારે ઉધમપુરમાં ૬૨૯ મીમી વરસાદ પડયો હતો જે આ પ્રાંતમાં ૧૯૧૦ પછીનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે, જેને પગલે આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું છે, રીઆસીના એસએસપી પરમવીરસિંહે કહ્યું હતું કે ભુસ્ખલન વૈષ્ણોદેવી માર્ગ પર આવેલા અધકવારી ગુફા મંદિર પાસે થયું હતું.
ભારે વરસાદને પગલે જમ્મુ સાથે સંકળાયેલી ૬૪ જેટલી ટ્રેનો રદ કરાઇ હતી, પ્રભાવીત વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કને ભારે અસર પહોંચી છે જેને કારણે રેસ્ક્યૂ કરવા લોકોનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર સ્થિતિ અંગે જાણકારી આપી હતી. કિશ્તવાર જિલ્લામાં વરસાદને કારણે પૂર આવ્યું હતું જેને પગલે અંતરીયાળ વિસ્તારના ૧૦થી વધુ મકાનો પાણીમાં તણાઇ ગયા હતા. હાલમાં જમ્મુમાં અનેક પુલ, મકાનો, જાહેર ઇમારતો તુટી પડી છે.
ગુરદાસપુરમાં જવાહર નવોદય સ્કૂલમાં પાણી ઘૂસ્યા, 400 વિદ્યાર્થી ફસાયા
ગુરદાસપુર : જમ્મુ કાશ્મીરના ગુરદાસપુરમાં ભારે પૂરને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અહીં આવેલી જવાહર નવોદય સ્કૂલમાં પાણી ભરાઇ ગયા હતા જેને કારણે સ્કૂલની બહાર જવાનો રસ્તો જ બંધ થઇ ગયો હતો, આ સ્થિતિ સમયે સ્કૂલમાં આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ પાણીમાં ફસાયેલા રહ્યા હતા. રાવી દરિયાનું પાણી કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓમાં પહોંચી ગયું છે. આ પાણી દબૂડી ગામમાં ઘૂસી ગયુ હતું જ્યાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. આચાર્યએ ફોન પર જણાવ્યું હતું કે શાળામાં આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે હું અને અન્ય સ્ટાફ પણ સ્કૂલમાં જ ફસાયેલા છે. પ્રશાસન પાસે મદદની અપીલ કરવામાં આવી છે.


