
નડિયાદમાં બાળ રીમાન્ડ હોમની બહાર અને પાસેના તળાવમાં અસહ્ય ગંદકી ખદબદી રહી છે. આગળ સરકારી શાળા પાસે અને ત્યાંથી આગળ ફાટક પાસેના તળાવ અને જાહેર માર્ગ પર અસહ્ય કચરાના ઢગ અને ગંદકી જોવા મળી રહી છે. શહેરના ફતેપુરા રોડ પર શરૂઆતમાં જ ઠાકોરવાસની સામે અસહ્ય ગંદકી ખદબદી રહી છે. જ્યારે ગુરૂકૃપા સોસાયટીની બહાર પણ કચરાના ઢગ ખડકાયા છે. ફતેપુરા રોડ પર સહિતના છેક કેનાલ સુધીના રસ્તા પર ઠેર-ઠેર કચરાના ઢગ વાગી ગયા છે.
તો વળી, મરીડા ભાગોળથી મરીડા રોડ પર પણ છેક સુધી ગંદકીના ઢગ છે, જ્યારે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની બાજુથી શરૂ થઈ શારદા મંદિર સ્કૂલ તરફ જતા રોડ પર પણ કચરાના ઢગલા વાગી ગયા છે. નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા માત્ર શહેરના મુખ્ય માર્ગની જ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી હોવાની બૂમ ઉઠી રહી છે.
ઉપરોક્ત તમામ રોડ પર આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં મનપાનું ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા જતી ગાડીઓ પહોંચતી ન હોવાના કારણે આ પરીસ્થિતિ સર્જાઈ હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આ અંગે સત્વરે મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં કાયમી સફાઈ કરવામાં આવે અને કચરો ઉપાડવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.

