આમોદ-દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક પરિવાર માટે ગઈકાલનો દિવસ કાળ બનીને આવ્યો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરીને ઘરે પરત ફરી રહેલા એક ૩૫ વર્ષીય મહિલાનું રસ્તા પર પાર્ક કરેલા એક ટ્રક સાથેના અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક મહિલા કંચનદેવી યાદવ, મૂળ ઉત્તર પ્રદેશના રેવતીપુરના વતની હતા. અને હાલ વાગરા ખાતે પોતાના પતિ અખિલેશ યાદવ અને ૮ વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેઓ પરિવારનો સહારો બનવા માટે એક ખાનગી કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા. આમોદ-દહેજ માર્ગ પર સ્થિત ઇન્ડિયન પેરોક્સાઈડ કંપનીની સામેના ભાગે કંચનદેવી પોતાની મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તાની સાઈડમાં બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવેલા એક ટ્રકની પાછળ તેઓ ભટકાઈ પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી. કે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું.
આ ગમખ્વાર ઘટનાએ એક હસતા-રમતા પરિવાર પર દુઃખનો પહાડ તોડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ અકસ્માતે ફરી એકવાર રસ્તાની સુરક્ષા અને બેદરકારીપૂર્વક વાહનો પાર્ક કરવાના જોખમો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ માર્ગ પર આવા બનાવો અટકાવવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા



