શહેરના વ્રજ વિહાર બંગલોઝમાંથી પાંચ ફૂટ લાંબા એક સ્પેક્ટ્રલ કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટની સમયસરની કામગીરી અને વન વિભાગના સહયોગથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટળી હતી.
વ્રજ વિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં આ ઝેરી સાપ દેખાયો હતો. પરિવારજનોએ તરત જ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને રમેશ દવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગુજરાતના ચાર અત્યંત ઝેરી સાપો પૈકીનો એક સ્પેક્ટ્રલ કોબ્રા છે.
વન વિભાગના આર.એફ.ઓ ડાભીભાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમે આશરે પાંચ ફૂટ લાંબા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ તેને વન વિભાગની સૂચના મુજબ સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રશંસનીય કામગીરી બદલ સ્થાનિક લોકોએ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.


