GUJARAT : દિલ્હીમાં યોજાયેલી NFICI AGM માં ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અપનાવાયેલ ‘શ્રેષ્ઠ પ્રથાઓ’નું શાનદાર પ્રસ્તુતિકરણ

0
71
meetarticle

ભારતની નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન્સ (NFICI)ની ૧૫મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કેન્દ્રીય માહિતી આયોગના નેજા હેઠળ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ CIC ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.

સભાનું ઉદઘાટન ડૉ. જીતેન્દ્રસિંહ, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય; પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય; પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી; કર્મચારીઓ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય; પરમાણુ ઊર્જા વિભાગ અને અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. આ બેઠકમાં દેશભરના મુખ્ય માહિતી કમિશનરો તથા માહિતી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરટીઆઈ કાયદાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવા, શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને નિરર્થક અરજીઓને ઘટાડવા માટે કાર્યક્ષમ નિવારણ પદ્ધતિ માટેના પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

સ્વાગત ભાષણમાં શ્રી હીરાલાલ સામરિયા, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન્સ ઓફ ઇન્ડિયા (NFICI) ના અધ્યક્ષ અને મુખ્ય માહિતી કમિશનર, કેન્દ્રીયમાહિતી આયોગે, શાસનમાં પારદર્શિતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરવામાં માહિતી આયોગોની વિકસતી ભૂમિકાને રેખાંકિત કરી.

આ અવસરે માનનીય મંત્રી શ્રી. જિતેન્દ્રસિંહ દ્વારા RTI જર્નલના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું– જે દેશમાં આરટીઆઈ કાયદા સંબંધિત વિકાસ, પ્રવૃત્તિઓ અને ઐતિહાસિક ચુકાદાઓ પર આધારિત અદ્યતન પ્રકાશન છે. માન.મંત્રીશ્રીએ ગુજરાતના યોગદાનની નોંધ લેતા જણાવ્યુ કે, “અમે ગુજરાત રાજ્ય માહિતી આયોગ માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે નવા RTI જર્નલમાં ગુજરાત માહિતી આયોગના ૧૦ મહત્વપૂર્ણ ચુકાદાઓ સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માન્ય ૪ મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”

ડૉ. જીતેન્દ્ર સિંહે, માન.મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં સરકારે પારદર્શિતા, કાર્યક્ષમતા અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી. તેમણે COVID-19 લોકડાઉન દરમિયાન પણ ઓનલાઈન સુનાવણીઓ દ્વારા લગભગ ૧૦૦% આરટીઆઈ કેસોના નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય માહિતી આયોગોના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમજ તેમણે “મૅક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટ”ના પ્રધાનમંત્રીના સુત્ર પરથી પ્રેરિત સુધારાઓ જેવી કે જૂના નિયમોની નાબૂદી અને નાગરિક સેવાઓના સરળીકરણ પર વિશેષ પ્રકાશ પાડયો.

કાર્યક્રમના મંચ પર શ્રી હીરાલાલ સામરિયા, મુખ્ય માહિતી કમિશ્નર, કેન્દ્રીય માહિતી આયોગ તથા ડૉ. સુભાષ સોની, મુખ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. સુભાષ સોની, મુખ્ય માહિતી કમિશનર ગુજરાત રાજ્ય માહિતી આયોગ, દ્વારા “શ્રેષ્ઠ પ્રથાઓ” વિષય પર શાનદાર Presentation કરવામાં આવ્યુ; જેમાં આરટીઆઈ અરજીઓ અને અપીલોના ઝડપી અને કાર્યક્ષમ નિવારણ માટે ગુજરાત માહિતી આયોગે અપનાવેલા નવીન ઉપાયો અને સિસ્ટેમેટિક સુધારણાઓ રજૂ કર્યા.

આ Presentation ને સમગ્ર દેશમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા ખુબજ બીરદાવવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલા RTI પોકેટ બુકલેટ્સ તથા ઓડિયો પૉડકાસ્ટ્સને પણ દેશના તમામ આયોગો દ્વારા વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ.

ગુજરાત તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માનનીય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની એ કર્યું, સાથે માનનીય રાજ્ય માહિતી કમિશનર – શ્રી સુબ્રમણિયમ અય્યર, શ્રી મનોજ પટેલ, શ્રી નીખિલ ભટ્ટ, શ્રી વિપુલ રાવલ, શ્રી ભરત ગણાત્રા તથા કાયદા અધિકારી સુશ્રી.જાગૃતિ પટેલ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમનું સમાપન ડૉ. સુભાષ સોની દ્વારા આપાયેલ આભારવિધિ સંબોધન સાથે થયું, જેમાં તેમણે દેશભરના પ્રતિનિધિઓ, મહાનુભાવો અને તમામ સ્ટેકહોલ્ડર્સનો આરટીઆઈ માળખાને મજબૂત બનાવવામાં કરેલા અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

શ્રી હીરાલાલ સામરિયા, મુખ્ય માહિતી કમિશ્નર, કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા સમગ્ર ભારતના મુખ્ય માહિતી કમિશનરો અને માહિતી કમિશનરોને એક જ મંચ પર લાવવાના થયેલા પ્રયત્નોની સૌએ વિશેષ પ્રશંસા કરી.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય માહિતી આયોગે માહિતી અધિકાર અધિનિયમના અમલમાં પારદર્શિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નાગરિક સશક્તિ કરણ અને ઉત્કૃષ્ટતાના ધોરણો સ્થાપિત કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here